20 વર્ષનો રૂચિત પંચાલ ઘરમાં સૌનો લડકવાયો છે. બે બહેનો બાદ આવેલા રૂચિતનો ઘરમાં પડતો બોલ ઝીલવામાં આવે છે. રૂચિતની દરેક ઈચ્છાઓ પુરી થાય છે. ઈડરથી 18 કિલોમીટર દૂર આવેલા મેસાણ ગામમાં રહેતા રૂચિતને પપ્પાનાં પગલે ચાલીને સમાજ માટે કશું કરવાની ઝંખના જાગી, પરંતુ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું તે સમજાતું ન હતુ. બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં રૂચિતે જણાવ્યુ.
ક્યાંથી આવ્યો વિચાર?
વર્ષ 2018માં રૂચિત કોલેજનાં પહેલાં વર્ષમાં અભ્યાસ કરતો હતો. તે દિવસોને યાદ કરતાં રૂચિત કહે છે, હું અને મારા મિત્રો કોલેજ જવા માટે સરકારી બસથી અપ-ડાઉન કરતાં હતા. ત્યારે દરરોજ હું રસ્તાનાં કિનારે ફૂટપાથ પર વસતા એક પરિવારને જોતો હતો. જેમાં પતિ-પત્ની અને તેનાં 6-7 નાનાં-નાનાં બાળકો હતા. તેમના બાળકોને પહેરવા માટે પૂરતાં કપડા અને પગમાં ચપ્પલ પણ ન હતા. તેઓ જાન્યુઆરીમાં શિયાળાની હાડ થીજવતી ઠંડીમાં પણ ઉઘાડા શરીરે જ ફરતાં હતા. તે દ્રશ્યો જોઇને રૂચિતને થયું, આ લોકો માટે કઈંક તો કરવું જ જોઇએ.

પહેલાં કયું કામ કર્યુ?
તે સમયે ફૂટપાથ પર રહેતાં તે પરિવારને જોઈને રૂચિતે તે પરિવારની મુલાકાત લીધી. અને તેમને કંઈ-કંઈ વસ્તુની જરૂર છે તેના વિશે જાણ્યુ. ત્યારે બાળકોની માતાએ રૂચિત પાસે શિયાળામાં બાળકોને પહેરવા માટે કપડાં માંગ્યાં હતાં. તે સમયે રૂચિતને ઘરેથી પોકેટમની માટે 500 રૂપિયા મળતાં હતા. જેમાંથી 300 રૂપિયાનો બસ માટેનો પાસ નીકળતો હતો અને બાકીનાં 200 રૂપિયા રૂચિતને વાપરવા માટે મળતા હતા.
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં રૂચિતે કહ્યું, બાળપણથી જ બચત કરવાની આદતને કારણે રૂચિત પાસે થોડું નાણાભંડોળ એકઠું થયુ હતુ. જેનો ઉપયોગ કરીને રૂચિત બાળકો માટે પગમાં પહેરવા માટે સ્લીપર અને ઠંડી સામે રક્ષણ મળે તે માટે બાળકો માટે કપડાં અને સ્વેટર ખરીદ્યા હતા. પૈસા તો હતા પરંતુ એટલાં નહી કે કોઈ દુકાનમાંથી કપડાં કે સ્વેટર ખરીદીને આપી શકાય તેથી તે સમયે લારી ઉપર મળતાં કપડાં જ ખરીદીને તે બાળકોને આપ્યા હતા.

“આ કાર્ય કરતાની સાથે જ મારા મિત્રએ મને સોશિયલ મીડિયા પર એક પેજ બનાવવા માટે કહ્યુ હતુ. ત્યારબાદ મે ઈન્સ્ટાગ્રામમાં હેલ્પિંગ હેન્ડ ફાઉન્ડેશનાં ઘણા પેજ જોયા હતા. જેમાંથી એક બરોડાના અર્જુન ગોવર્ધનનું પેજ જોઈને હું ઘણો ઈન્સ્પાયર થયો હતો, તે બાદ મે ઈન્સ્ટાગ્રામ પર @the_humanity_club_નામનું પેજ શરૂ કર્યુ. તે સમયે પહેલાં પપ્પાએ સોશિયલ મીડિયામાં પેજ બનાવવાની ના પાડી હતી. તેમનું કહેવું હતુકે, તુ જે કાર્ય કરે છે તે લોકોને બતાવવાની જરૂર નથી. પરંતુ આજે મારા આ કાર્યમાં મારી સાથે 8 મારા મિત્રો જોડાયા અને તે સિવાય ઓનલાઈન વર્ક માટે મારી સાથે બહુજ ગ્રુપ જોડાયા છે. જેઓ મને મારા કામમાં મદદ કરે છે. ત્યારે હવે મારા પપ્પાને લાગે છેકે, મે જે પણ કર્યુ તે બરાબર છે.”
સ્લમ એરિયાનાં બાળકો માટે કંઈ કરવાની ઈચ્છા જાગી
ફૂટપાથ પરનાં બાળકોને મદદ કર્યા બાદ રૂચિતને વિચાર આવ્યો કે, જો ફૂટપાથ પર રહેતાં બાળકોની આ હાલત છે તો સ્લમ એરિયામાં જે બાળકો છે તેની કેવી પરિસ્થિતી હશે. તે બાદ તેણે ઈડરની આજુબાજુનાં સ્લમ એરિયામાં એક આંગણવાડીની મુલાકાત લીધી હતી.

અહીં આંગણવાડીઓમાં બાળકોને માત્ર બપોરનું ભોજન મળે એટલા માટે જ બાળકો આવે છે, બાકી બાળકોને કોઈ પ્રવૃત્તિ કરાવવામાં આવતી નથી તે જોઈને બાળકો માટે સ્કીલ ડેવલમેન્ટનાં કાર્યો કરવાનો વિચાર આવ્યો. આ કામમાં મને મારા ઘરેથી તો સપોર્ટ મળ્યો જ સાથે સાથે મને મારા મિત્રોનો પણ સાથ મળ્યો.
વધુમાં રૂચિતે કહ્યું, અહીંનાં સ્લમ એરિયામાં રહેતાં બાળકોનાં માતા-પિતા ભણેલાં હોતા નથી. જેથી બાળકો પણ ભણવામાં કોઈ રૂચિ દેખાડતા નથી અને તેમને ભણવા માટે કોઈ પ્રોત્સાહન પણ આપતું નથી. તેથી મે તે બાળકોને ભણતરનું મહત્વ સમજાવવા માટે અને બાળકો ભણે તે માટે સ્કીલ ડેવલોપમેન્ટનાં કાર્યો કરવાનું શરૂ કર્યુ.

કેવા કાર્યો કરે છે?
રૂચિતે બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં આગળ કહ્યુ, જ્યારે પહેલી આંગણવાડીની મુલાકાત લીધી ત્યારે જોયું કે, માત્ર ભોજન કરવા માટે બાળકો આવે, અહીં કોઈ અન્ય પ્રવૃત્તિ થતી ન હોવાને કારણે બાળકો પણ ઓછી સંખ્યામાં આવે છે. જેથી બાળકો આંગણવાડીમાં આવે તે માટે આકર્ષવા પહેલાં ફૂડ પેકેટનું વિતરણ કરવાનું શરૂ કર્યુ, જેથી બાળકો ફૂડ પેકેટ લેવા માટે આવતા હતા. તે બાદ ધીમે ધીમે તેમના માટે કપડાં લાવવાનું શરૂ કર્યુ.
બાળકો ભણવાનું શરૂ કરે તે માટે બાળકોમાં સ્લેટનું વિતરણ કર્યુ, ત્યારબાદ બાળકોને ટીચર્સ ડે, સ્વાતંત્ર દિવસ જેવાં બધા જ દિવસો કેમ ઉજવાય છે તેનું જ્ઞાન આપીએ છીએ. જેમકે, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, બાબા સાહેબ આંબેડકર આ બધા કોણ હતાં તેનાં વિશે જણાવીએ છીએ. આ બધું જાણવાનો આંગણવાડીનાં બાળકોમાં બહુજ ઉત્સાહ હોય છે. તેની સાથે સાથે અમે બાળકોને ઈ-લર્નિંગ શીખવાડીએ છીએ.

આજના ડીજીટલ યુગમાં બાળકો ડીજીટલ લર્નિંગ જલ્દી શીખે છે. તેથી અમે આંગણવાડીનાં બાળકોને લેપટોપ ઉપર એ..બી..સી..ડી, કક્કો અને 1થી 10નાં આંકડા શીખવાડીએ છીએ. ડીજીટલ લર્નિંગમાં બાળકોનો ભણવાનો ઉત્સાહ વધારે જોવા મળે છે. અને બાળકો શીખવા પણ માંગે છે. હવે અમે લોકો બર્થડે સેલિબ્રેશન પણ અહીં જ કરીએ છીએ. કારણકે, અહીંના નાના બાળકોએ કેક ક્યારેય જોઈ નથી. તેમને કેક કોને કહેવાય તે પણ ખબર નથી. ત્યારે અમે લોકો જ્યારે આ લોકો સાથે બર્થડે સેલિબ્રેશન કરીએ છીએ કેક કાપીએ છીએ તો બાળકોમાં એનો આનંદ જ અલગ હોય છે. હાલમાં હું 6-7 આંગણવાડીનાં બાળકો માટે કામ કરું છું.
ઘરનાં લોકોનો અને મિત્રોનો સહકાર
રૂચિતનાં પપ્પા પણ પહેલાં તેમની આજુબાજુના લોકોની મદદ કરતાં હતા. રૂચિતનાં પપ્પા પહેલાંથી લોકોની મદદ કરવા માટે કોઈ પણ સમયે તૈયાર રહેતાં હતા. આ સાથે પિતા મહેન્દ્રભાઈ સામાજીક કાર્યો કરતાં હતા. પિતાનાં આ સેવા કાર્ય જોઈને મોટા થયેલા રૂચિતને પણ પપ્પાની જેમ સમાજનાં લોકો માટે કંઈ કરવાની ઈચ્છા જાગી હતી.
જ્યારે પહેલી વાર ફૂટપાથનાં બાળકો માટે કપડાં અને ચપ્પલ લેવાનું વિચાર્યુ તો પીગી બેંકમાંથી તો મદદ મળી પણ સાથે જે પણ થોડા પૈસા ખૂટ્યા હતા, તેની મદદ પપ્પાએ જ કરી હતી.
પહેલીવાર જ્યારે આંગણવાડીનાં બાળકો માટે કપડાંનું વિતરણ કરવાનું વિચાર્યુ ત્યારે મારી પાસે એટલું ફંડ ન હતુ કે, નવા કપડાં લઈને આપી શકું, તો જૂના કપડાં આપવાનું નક્કી કર્યું ત્યારે પરિવારનાં સભ્યોએ જ મને ઘરમાંથી અને આજુબાજુમાંથી કપડાં એકત્ર કરીને આપ્યા હતા. મિત્રો પણ તેમની પોકેટમનીમાંથી 100-200 રૂપિયા બચાવીને મદદ કરે છે.

બાળકો પાસેથી કેવો મળે છે રિસ્પોન્સ
બેટર ઈન્ડિયા સાથે વાતચીત કરતાં રૂચિત જણાવે છે કે, હું જ્યારે પહેલીવાર આંગણવાડીએ ગયો ત્યારે મે ત્યાં જોયુ અહીં બાળકોની એટલી સંખ્યા ન હતી. તેથી પહેલાં તો મારો હેતું બાળકોને આંગણવાડીમાં લાવવાનો હતો એટલા માટે મે પહેલાં બાળકોને આકર્ષિત કરવા માટે ફૂડ પેકેટ્સ અને ચોકલેટ્સની વહેંચણી કરી હતી. તે બાદ બાળકો આંગણવાડીમાં રેગ્યુલર આવતા થયા હતા. જ્યારે બાળકોને પહેલીવાર સ્લેટ આપી હતી ત્યારે બાળકોનાં ચહેરા પર ખુશી અને આંખોમાં અલગ જ ચમક જોવા મળી હતી. આજે તો એવું છેકે, આંગણવાડીનાં બાળકો અમારા આવવાની રાહ જોવે છે. જેવાં અમે ત્યાં પહોંચીએ કે તરત જ બાળકો દોડતા અમને મળવા માટે આવી જાય છે. અત્યારે તો કોરોનાને કારણે બાળકોને સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું શીખવાડવામાં આવ્યુ છે તો આજે જ્યારે જઈએ છીએ તો બાળકો થોડા થોડા અંતરે આવીને ઉભા રહી જાય છે.
કોરોનાકાળમાં પણ લોકોને કરી મદદ
@the_humanity_club_એ જ્યારે કોરોનાકાળમાં મજુરોનું કામ બંધ થઈ જતાં ઘરમાં ખાવાની મુશ્કેલી ઉભી થઈ હતી. એવાં સમયે અહીંનાં 150થી વધારે ઘરોમાં રોજીંદા જીવનની અલગ-અલગ જરૂરિયાતો પુરી પાડીને મદદ કરી હતી. સાથે જ કોરોનાકાળમાં અચાનક જ લોકડાઉન થઈ જતાં પ્રવાસી મજુરો ચાલતાં પો્તાના વતન પાછા ફરવા માટે મજબુર થયા હતા. એવાં સમયે @the_humanity_club_ દ્વારા આ ભૂખ્યાં અને તરસ્યા જઈ રહેલાં આ મજુરો માટે ભોજન અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી.
રક્ષાબંધનમાં સૈનિકોને રાખડી મોકલાવી
બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં રૂચિતે જણાવ્યુકે, આ વર્ષે ધ હ્યુમિનિટી ક્લબ અને ઈડર માજી સૈનિક સેવા ફાઉન્ડેન દ્વારા માજી સૈનિકોને રક્ષાબંધન નિમિત્તે 1151 રાખડી મોકલી હતી. માતૃભૂમિની રક્ષા માટે ઉત્તર ભારતમાં બરફમાં તો રાજસ્થાનમાં તડકામાં દિવસ-રાત બોર્ડર પર ફરજ બજાવતા સૈનિકોનું મનોબળ વધારવા અને તેમના લાંબા આયુષ્ય માટે 1151 રાખડીઓ ધ હ્યુમિનિટી ક્લબની બહેનો અને ભાઈઓ દ્વારા બોર્ડર પર મોકલવામાં આવી હતી.

શું છે ભવિષ્યની યોજના?
બેટર ઈન્ડિયા સાથે વાતચીત કરતાં રૂચિત જણાવે છેકે, હાલમાં તો @the_humanity_club_ રજીસ્ટર કરાવ્યુ નથી. તેથી તેને પહેલાં રજીસ્ટર કરાવવાનું છે અને તે રજીસ્ટર થઈ જાય તે બાદ સ્લમ એરિયામાં જ નાની એવી જગ્યા લેવાની યોજના છે. તેમાં નાની શાળા બનાવીને આ સ્લમ એરિયાનાં બાળકો માટે ઈ-લર્નિંગનાં ક્લાસ શરૂ કરવા માંગુ છું. જેથી આ બાળકોને ભણાવી શકું અને તેમને એજ્યુકેશન પ્રત્યે પ્રોત્સાહિત કરી શકું.
ધ બેટર ઈન્ડિયા પણ સલામ કરે છે. આવા સદ્કાર્યોને અને રૂચિત પંચાલને આવા કાર્યો ચાલુ રાખે તે માટે શુભકામના પાઠવે છે. જો તમે પણ રૂચિત પંચાલનાં કાર્યો વિશે વધારે જાણવા માંગો છો તો તમે 99796 76843 અને 9737300670 નંબર પર અને ઈન્સ્ટાગ્રામ પર @the_humanity_club_પેજ પર તેમનો સંપર્ક સાધી શકો છો.
આ પણ વાંચો: લોકોને કચરામાંથી ખાવાનું વીણી જોતા માત્ર 5 રૂપિયામાં ભરપેટ ભોજન આપવાનું શરૂ કર્યું